ગઝલ


ગઝલ

મન આ જ્યારે પણ ઘવાયું છે.
કંઈક ત્યારે અહીં લખાયું છે.

નભ રડ્યું છે રાતમાં એથી,
તૃણ પર ઝાકળ છવાયું છે.

બોલતાં સંબંધ બગડે છે,
મૌન એથી બસ સવાયું છે.

દેડકાનો જીવ ગયો છે ને,
કાગડાથી બસ હસાયું છે.

બહુ તપાવ્યા બાદ લોઢાને ,
કોઈ આકારે ઘડાયું છે.

શીખવી ના જે શક્યું ભણતર,
એક ઠોકરથી ભણાયું છે.

સત અમરફળનું જણાયું,
ભરથરી ત્યારે થવાયું છે.

~"આબાદ"પાલનપુરી.

ગઝલ


છવાયું છે બધે પાણી અષાઢી મેઘના દિવસે,
નદી સર્વત્ર ઉભરાણી અષાઢી મેઘના દિવસે.

ચડી આવી ગગન પર વાદળી અણખૂટ આશાની,
અમારી હેલ છલકાણી અષાઢી મેઘના દિવસે.

તળાવો, ઝાડવાં, ઝરણાં અમીનાં છાંટણાં ઝીલે,
કૂણી કળીઓય ભીંજાણી અષાઢી મેઘના દિવસે.

ભીની માટીની ખુશબૂ શ્વાસ મહેકાવી ગઈ સહુના,
રહીને મૌન મલકાણી અષાઢી મેઘના દિવસે.

મયૂરો નાચતા ગાતા ઉતારે આરતી નભની,
કરે છે ગર્વની લ્હાણી અષાઢી મેઘના દિવસે.

રાહુલ શ્રીમાળી

ગઝલ


ગઝલ// વગાડો કરતાલ સાધુજી

લાગી લગન વગાડો કરતાલ સાધુજી,
ગાવું ભજન વગાડો કરતાલ સાધુજી.

ઠારી ઠરે નહીં એ ડૂબ્યાં વગર હવે,
હૈયે અગન! વગાડો કરતાલ સાધુજી.

કંઈ કેટલાય દરિયા ખેડી લીધા છતાં,
કોરાં નયન! વગાડો કરતાલ સાધુજી.

મીરાં કહો કે નરસિંહ, એ માર્ગ ચાલવું,
છોડ્યાં ભવન, વગાડો કરતાલ સાધુજી.

આજે નહીં તો કાલે, વિશ્વાસ પર જીવું,
થાશે મિલન વગાડો કરતાલ સાધુજી

✍️ઈશ્વર ચૌધરી ‘ઉડાન’

ગઝલ


શુભરાત્રી…🙏🏻🌷

જે મળી છે જિંદગી, કાફી નથી.
કૈક ઈચ્છાઓ હજી જાગી નથી.

તું હસે છે કેમ કે, ચાખી નથી.
તારા ભાગે વેદના આવી નથી.

આજ પણ ચ્હેરો મને એ યાદ છે,
કેટલા અરસાથી મેં ભાળી નથી.

‘હર યુગે આવીશ’ તેં એવું કહ્યું,
કેમ તારી મોરલી વાગી નથી?

શું સમજવું, પ્રેમ કે ખેંચાણ છે?
એમણે પણ હા કે ના પાડી નથી.

આ હૃદય સમશાન થાતાં વાર શું?
લાશ સપનાંની હજી દાટી નથી.

કપા
૨૬૦૭૨૦૨૨

ગઝલ


સાદર એક ગઝલ…

ખાલી નથી કંઈ એમ કૂંડાળાં કર્યા,
ઘસી ઘસીને જાત, અજવાળાં કર્યા.

પૂછો એ પંખીઓને કેટલાં ફાળાં કર્યા?
તરણાંઓ જોડી કેમના માળાં કર્યા?

કોઈએ સંબંધોને કાંટાળાં કર્યા,
કોઈએ સંબંધોને સુંવાળાં કર્યા.

પણ, હોય ક્યાંથી લાજ એવા નામને,
નિત વાંદરાની જેમ બસ ચાળા કર્યા.

ઈજ્જત મળે ક્યાથી હિસાબી રેસમાં
ડગલે ને પગલે તેણે ગોટાળાં કર્યા.

✍️ઈશ્વર ચૌધરી ‘ઉડાન’